અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો તેમના પત્ની જેનેટ ડી. રૂબિયો સાથે સોમવારે જયપુર પહોંચ્યા હતા. આગ્રાથી સ્પેશિયલ પ્લેનમાં બપોરે લગભગ દોઢ વાગ્યે જયપુર એરપોર્ટ પર ઉતરતાં જ તેમણે હસતા હસતા “Have fun” કહીને સૌને આકર્ષ્યા હતા. તેમની સાથે અમેરિકાના ભારતીય રાજદૂત સર્જિયો ગોર પણ હાજર હતા.
જયપુર પહોંચતાની સાથે જ માર્કો રૂબિયો અને તેમના પત્ની સીધા ઐતિહાસિક આમેર કિલ્લા ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓ ઐતિહાસિક આમેર કિલ્લાને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. કિલ્લાના જલેબ ચોકમાં તેમનું પરંપરાગત રાજસ્થાની અંદાજમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોક કલાકારોએ ઘૂમર, કાલબેલિયા અને કચ્છી ઘોડીના મનમોહક નૃત્યો રજૂ કરીને મહેમાનોને મોહિત કરી દીધા.









