બોલીવુડના મોસ્ટ અવેટેડ અને ભવ્ય પ્રોજેક્ટ એટલે કે ફિલ્મ ‘રામાયણ: પાર્ટ ૧’ નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. ૪ મિનિટ અને ૧૦ સેકન્ડના આ ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે, પરંતુ તેની સાથે જ નેટીઝન્સના મિશ્ર પ્રતિભાવો પણ સામે આવી રહ્યા છે.સૌથી વધુ ચર્ચા ફિલ્મની કાસ્ટિંગને લઈને થઈ રહી છે. ફિલ્મમાં ભગવાન રામના રોલમાં રણબીર કપૂર અને સીતાજીના પાત્રમાં સાઈ પલ્લવી જોવા મળી રહ્યા છે.

જોકે, નેટીઝન્સનું માનવું છે કે રણબીર કપૂર પાત્રમાં ઓછા અને પોતે ‘રણબીર કપૂર’ વધુ દેખાઈ રહ્યા છે, જ્યારે સાઈ પલ્લવીનો સીતા તરીકેનો લુક પણ દર્શકોને થોડો ફિક્કો લાગ્યો છે.આશ્ચર્યની વાત એ છે કે રામ અને સીતા કરતાં શૂર્પણખાના રોલમાં જોવા મળતી રકુલ પ્રીત સિંહ ના લુકે સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા મેળવી છે. જ્યારે લંકેશ એટલે કે રાવણના પાત્રમાં KGF ફેમ યશ નો લુક અત્યંત દમદાર લાગે છે, પરંતુ ચાહકોના મતે રાવણનો ખૂંખારો અને અવાજ ભૂમિકાની સરખામણીમાં થોડો નબળો જણાય છે.

ટ્રેલરમાં સૌથી મોટું આશ્ચર્ય એ રહ્યું કે હનુમાનજીનું પાત્ર ભજવી રહેલા સની દેઓલ ની ઝલક ક્યાંય જોવા મળી નથી, જેનાથી ફેન્સમાં ક્યુરિયોસિટી વધી છે.યુટ્યુબની ઓફિશિયલ કોમેન્ટ્સ પર નજર કરીએ તો દર્શકોની સૌથી મોટી નારાજગી ભગવાન હનુમાનજી ના પાત્રને લઈને છે. હજારો લોકો યુટ્યુબ પર કોમેન્ટ કરીને લખી રહ્યા છે કે, “હનુમાનજીની એક પણ ઝલક વિના આ રામાયણ અધૂરી લાગે છે.

વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની વાત કરીએ તો, ‘બાહુબલી’ પછી પહેલીવાર આટલા મોટા સ્કેલ પર મહાકાવ્ય રજૂ થતું હોય તેવું વિઝ્યુઅલ્સ જોઈને લાગે છે. ઐરાવત હાથી અને ઈન્દ્રની લડાઈના સીન્સ દર્શકોના દિલ ધડકાવી દે તેવા છે. હવે જોવાનું એ રહેશે કે દિવાળી પર રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચશે કે કેમ!









