રાજકોટના જેતલસર જંક્શન રેલવે સ્ટેશન પરથી રેલવે વિભાગ દ્વારા બ્રેક ડાઉન સહિતની મહત્વની કામગીરી અન્યત્ર ખસેડવામાં આવતા અને આશરે ૮૫ જેટલા રેલવે કર્મચારીઓની સામૂહિક બદલી કરી દેવાતા સ્થાનિક ગ્રામજનોમાં વ્યાપક અસંતોષ અને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે સ્ટાફની સતત બદલી થવાના કારણે જેતલસર ગામની આર્થિક અને સામાજિક સ્થિતિ પર ખૂબ માઠી અસર થવાની શક્યતા છે.
આ ગંભીર પ્રશ્નને લઈને સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા મેદાનમાં આવ્યા છે. આજે રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે અને ભાવનગરના દિનેશ વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ધારાસભ્ય જયેશ રાદડિયાની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જયેશ રાદડિયાએ રેલવેના અધિકારીઓને ભારે ખખડાવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.
ધારાસભ્યએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે, લોકો પાયલટ અને ટ્રેન મેનેજર સહિતના સ્ટાફને તાત્કાલિક પરત જેતલસર જંક્શનમાં મૂકવામાં આવે. રેલવે વિભાગના અધિકારીઓ ટસના મસ ન થતા રાદડિયાએ અલ્ટીમેટમ આપતા કહ્યું કે, “હું તમને ૮ થી ૧૦ દિવસનો સમય આપું છું, જો આ આગામી દિવસોમાં રેલવે પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહીં આવે તો હું ખુદ રેલવે ટ્રેક પર બેસીને ‘ટ્રેન રોકો આંદોલન’ કરીશ અને તેની સંપૂર્ણ આગેવાની હું પોતે લઈશ.”

અગાઉ પણ જેતલસર જંક્શન રેલવે બચાવ સમિતિના પ્રતિનિધિમંડળે દિલ્હી ખાતે રૂબરૂ જઈને રેલવે મંત્રી સમક્ષ આ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. તે સમયે રેલવે મંત્રીએ સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, જેના પગલે આંદોલન સ્થગિત કરાયું હતું. તેમ છતાં સ્થાનિક સ્તરે અધિકારીઓના જીદ્દી વલણને કારણે પ્રશ્ન હજી પણ વણઉકેલાયેલો રહ્યો છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે કર્મચારીઓનો પ્રશ્ન અધિકારીઓની અંદરોઅંદરની (જીદ)ના કારણે અટક્યો છે, જે કોઈ કાળે ચલાવી લેવાશે નહીં.
આગામી દિવસોમાં જો રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે, તો રેલવે તંત્ર અને સ્થાનિકો વચ્ચે મોટો સંઘર્ષ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.









