રાજકોટમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા વાહનચાલકો અને જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. જામનગર રોડ પર બનેલો નવનિર્મિત 4-લેન ‘સાંઢિયા પુલ’ આખરે જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આશરે રૂપિયા 74.32 કરોડના ખર્ચે આ અદ્યતન રેલ્વે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઓવરબ્રિજ શરૂ થવાથી જામનગર રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં રોજિંદા ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરતા હજારો નાગરિકોને સુવિધા મળશે.
લાંબા સમયની પ્રતીક્ષા બાદ કાર્યરત થયેલા આ સાંઢિયા પુલની ફોર-લેન બ્રિજ શરૂ થવાથી જામનગર રોડ તરફ જતા અંદાજિત 50 હજાર જેટલા વાહનચાલકોને હવે રેલવે ક્રોસિંગ અને ટ્રાફિક બ્લોકમાંથી મુક્તિ મળશે, જેનાથી લોકોનો સમય અને ઇંધણ બંને બચશે.
આયોજિત લોકાર્પણના આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં તકતી અનાવરણ કરી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે સ્થાનિક નેતાઓ અને તંત્ર દ્વારા બ્રિજ ખુલ્લો મુકાવાની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.









