જેતપુર: જેતપુરની તત્કાલ ચોકડી પાસે આજે એક ભયાનક ત્રિપાંખીયો અકસ્માત સર્જાતા હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. રાજકોટ તરફથી પૂરપાટ ઝડપે આવતી એક કારે પહેલા રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ રોડની સાઈડમાં આવેલી રેલિંગ તોડીને અન્ય એક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલકને ઈજાઓ પહોંચી છે, જ્યારે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
મળતી માહિતી મુજબ, રાજકોટ હાઈવે તરફથી આવી રહેલી એક કારના ચાલકે તત્કાલ ચોકડી પાસે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી આ કારે રસ્તા પરથી પસાર થઈ રહેલી રિક્ષાને જોરદાર ઠોકર મારી દીધી હતી. અકસ્માત એટલો સ્પીડમાં હતો કે કાર રોડની રેલિંગ તોડીને ત્યાંથી પસાર થતી અન્ય એક કાર સાથે પણ ભટકાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.
આ ભયાનક અકસ્માતમાં બંને કાર અને રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માતમાં રિક્ષાચાલકને નાની-મોટી ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આટલા મોટા અકસ્માતમાં મોટી જાનહાની ટળી છે.
અકસ્માતના કારણે જેતપુર હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ઉદ્યોગનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને મદદ કરી હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડીને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.









