નવી દિલ્હી:
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા છે. હાથમાં ગુલાબનું ફૂલ પકડીને તેમણે પીએમ મોદીને દેશ સામે ખુલ્લી અને લાઈવ ડિબેટ કરવાની સીધી ચેલેન્જ ફેંકી છે.
વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ચેલેન્જ આપ્યાને ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો છે. વિપક્ષ પર દેશદ્રોહના આક્ષેપો લગાવવાને બદલે પીએમ મોદીએ દેશના યુવાનો અને મીડિયાની સામે બેસીને ચર્ચા કરવી જોઈએ. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, “જગ્યા તમે નક્કી કરો અને જો ઇચ્છો તો RSS પ્રમુખ મોહન ભાગવતને જજ બનાવી દો, પરંતુ ડર્યા વિના ચર્ચા માટે આગળ આવો.”
પોતાના પર થયેલા માનહાનિ (Defamation) કેસોનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “મારા પર આવા અનેક કેસો થયેલા છે, પરંતુ વિદેશી કનેક્શન અને આ મુદ્દાઓ પર કેસ કેમ નથી કરતા? આવો અને ખુલ્લી ડિબેટ કરો જેથી સમગ્ર દેશ સમક્ષ સત્ય સામે આવી શકે.” વીડિયોના અંતમાં તેમણે પીએમ મોદીને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.









