જેતપુર:
શહેરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે લાલબત્તી સમાન એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બાપુની વાડી વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય અફઝલ ઘાંચી પોતાના ઘરની અગાસી પર હતા, તે દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તેઓ સીધા નીચે પટકાયા હતા.
આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે નીચે જમીનમાં રહેલો એક લોખંડનો સળિયો સીધો તેમના પગમાં આરપાર ઘૂસી ગયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને જમીનમાં રહેલા સળિયાને કાપી નાખ્યો હતો અને પગમાં ફસાયેલા સળિયા સાથે જ ઈજાગ્રસ્ત અફઝલભાઈને તાત્કાલિક સારવાર અર્થે જેતપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ઓપરેશન કરી પગમાંથી સળિયો બહાર કાઢવાની કામગીરી અને સઘન સારવાર હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે, તેમજ અગાસી કે મેડી પર ફરતી વખતે પૂરતી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.









