રંગીલા રાજકોટમાં દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. દિવાળીની મોડી રાત્રે શહેરના એ-ડિવિઝન વિસ્તાર હેઠળ આવતા હાથીખાનામાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે જાહેરમાં ફાયરિંગ થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, દિવાળીની રાત્રે હાથીખાના વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બે માથાભારે શખ્સો (બાહુબલીઓ) વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એક શખ્સે આવેશમાં આવીને પોતાની પાસે રહેલી ગેરકાયદેસર પિસ્તોલ કાઢી જાહેરમાં ફાયરિંગ કર્યું હતું.
ગોળીબારનો અવાજ સંભળાતા જ તહેવારની ઉજવણી કરી રહેલા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. લોકો જીવ બચાવવા ઘરોમાં ઘૂસી ગયા હતા અને વેપારીઓએ તાત્કાલિક દુકાનોના શટર પાડી દીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી, પરંતુ તહેવારની ભીડ વચ્ચે મોટી દુર્ઘટના ટળી હતી.ઘટનાસ્થળેથી મળી આવી ગેરકાયદેસર પિસ્તોલ
ફાયરિંગની જાણ થતા જ એ-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર તપાસ કરતા ત્યાંથી એક ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી છે, જેને કબજે લેવામાં આવી છે. શહેરમાં લાયસન્સ વગરના આવા ઘાતક હથિયારો ક્યાંથી આવે છે અને કોણ સપ્લાય કરે છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.હાલ એ-ડિવિઝન પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી રહી છે અને સ્થાનિકોની પૂછપરછ કરી આરોપીઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.









