જેતપુર શહેરના જીમખાના મેદાનમાં હાલ ચાલી રહેલો લોકમેળો લોકોના મનોરંજન કરતાં વિવાદો અને ગેરરીતિના આક્ષેપોને કારણે વધુ ચર્ચામાં આવ્યો છે. મેળાના રંગારંગ રોમાંચ વચ્ચે જનતાની સલામતી અને સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થો ઊભા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરનું જીમખાના ગ્રાઉન્ડ સરકારી જમીન હોવા છતાં, અહીં યોગ્ય વહીવટી મંજૂરીઓ અને રાઈડ્સના ફરજિયાત ફિટનેસ સર્ટિફિકેટ વિના જ મેળાનું આયોજન ધમધમી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. આ મામલે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.
આ વિવાદ વચ્ચે મેળા ગ્રાઉન્ડ પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં રાઈડ્સનો સંચાલક કેમેરા સામે ખુલ્લેઆમ ગાળાગાળી અને બેજવાબદાર વર્તન કરતો નજરે પડે છે. જ્યારે મેળામાં સુરક્ષા, દારૂ પીને આવતા તત્વો અને ભીડના નિયંત્રણ અંગે સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે સંચાલકે પોતાની વગ અને મીડિયા-રાજકીય સંબંધોનો રોફ જમાવ્યો હતો. વીડિયોમાં સંચાલક પત્રકારોને પણ “તમે કોઈ PI નથી કે મારું ઈન્ટરવ્યૂ લો” તેવી તોછડાઈભરી ભાષામાં ધમકાવીને દબાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.
નિયમોને નેવે મૂકીને ચાલી રહેલા આ આયોજન પાછળ કોનો હાથ છે તે અંગે શહેરભરમાં ચર્ચાઓ તેજ બની છે. સ્થાનિક સ્તરે એવા સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે કે શું જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન કે પછી કોઈ મોટા રાજકીય આગેવાનોની મીઠી નજર અને છત્રછાયા હેઠળ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે?
રાજકોટ સહિત રાજ્યમાં ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાઓ બાદ પણ જો જેતપુરમાં ફિટનેસ અને મંજૂરી વગર રાઈડ્સ ચાલતી હોય અને સંચાલકો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોય, તો કોઈ અનિચ્છનીય ઘટના બનશે ત્યારે જવાબદારી કોની રહેશે?









