પીઠડિયા અને કાગવડ વચ્ચે રેલવે ટ્રેક પરથી મળી આવેલા રહસ્યમય મૃતદેહના કેસમાં પોલીસે હત્યાનો પર્દાફાશ કર્યો છે. માત્ર છ-સાત મહિના પહેલાં જ પરણેલી ૨૦ વર્ષીય યુવતીની તેના જ પતિએ ચારિત્ર્યની શંકા રાખી નિર્મમ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવને આત્મહત્યામાં ખપાવવા માટે આરોપીએ લાશને રેલવે ટ્રેક પર મૂકી દીધી હતી,
પરંતુ રેલવે કર્મચારીની સતર્કતા અને પોલીસની તપાસને કારણે આરોપી પતિનો ભાંડો ફૂટી ગયો છે.રાજકોટ જિલ્લાના પીઠડિયા અને કાગવડ વચ્ચે રેલવે ટ્રેક પર એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
મૃતદેહનું પોસ્ટમોર્ટમ અને તબીબી તપાસ કરાવતાં પ્રાથમિક દ્રષ્ટિએ જ યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.આ ગંભીર ગુનાની તપાસ એલસીબી (LCB) અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતક યુવતીની ઓળખ ૨૦ વર્ષીય દક્ષાબેન તરીકે થઈ હતી.
પોલીસની ઘનિષ્ઠ પૂછપરછ અને તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે દક્ષાબેનની હત્યા અન્ય કોઈએ નહીં, પરંતુ તેના પતિ દીપક પ્રતાપભાઈ શિંગારે જ કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, દક્ષાબેન અને દીપકના લગ્ન હજુ છથી સાત મહિના પહેલાં જ થયા હતા. જોકે, પત્ની દક્ષાબેન અન્ય કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી હોવાની શંકા રાખીને પતિ દીપકે પહેલાં તેનું ગળું દબાવી દીધું હતું.
ત્યારબાદ લાશને ખેતરમાંથી ઢસડી રેલવે ટ્રેક તરફ લઈ ગયો હતો. રસ્તામાં પત્નીમાં હજુ જીવ હોવાની આશંકા જતાં પાપી પતિએ તેના માથામાં પથ્થરના ઘા પણ ઝીંક્યા હતા.આરોપીએ પુરાવાનો નાશ કરવા અને સમગ્ર હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહને રેલવે ટ્રેક પર મૂકી દીધો હતો, જેથી ટ્રેન નીચે આવી જતાં અકસ્માત કે આત્મહત્યા લાગે. જોકે, ટ્રેન આવતાં જ રેલવે કર્મચારીને પાટા પર કોઈ સૂતેલું કે લાશ હોવાની શંકા જતાં તેમણે સમયસૂચકતા વાપરી ટ્રેન ઊભી રાખી દીધી હતી અને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. હાલ એલસીબી પોલીસે હત્યારા પતિ દીપક શિંગારની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









