સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે, રાજકોટ-અમદાવાદ હાઇવે પર મોમાઈ હોટેલ સામે આવેલી સમુદ્ર એગ્રો એજન્સી (અલગારી પ્રોડક્ટ) સંચાલિત પેટ્રોલ પંપ ખાતે અનઅધિકૃત રીતે HVO ફ્યુઅલનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી.
આ ચોક્કસ માહિતીના આધારે સંબંધિત વિભાગોની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી સુરેન્દ્રનગર ડિવિઝનના મદદનીશ પોલીસ અધીક્ષકશ્રી (ASP), વઢવાણ મામલતદાર,નાયબ મામલતદાર(પુરવઠા) તેમજ પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.સંયુક્ત ટીમે સ્થળ તપાસ દરમિયાન પંપ પરથી વેચાતા ફ્યુઅલના જરૂરી નમૂનાઓ એકત્ર કર્યા હતા
અને આગળની કાયદેસરની કાનૂની કાર્યવાહી તથા વિગતવાર તપાસના હેતુસર પેટ્રોલ પંપને સીઝ કર્યો હતો.તપાસ દરમિયાન પંપના પ્રથમ ટૅંકમાંથી ૧,૦૪૦ લીટર અને બીજા ટૅંકમાંથી આશરે ૨૦૦ લીટર મળીને કુલ ૧,૨૪૦ લીટર HVO ફ્યુઅલનો જથ્થો મળી આવ્યો હતો.રૂ.૯૪ પ્રતિ લીટરના દર અનુસાર પ્રથમ ટૅંકના જથ્થાની કિંમત રૂ. ૯૭,૭૬૦ અને બીજા ટૅંકના જથ્થાની કિંમત રૂ. ૧૮,૮૦૦ થાય છે.આમ સંયુક્ત ટીમે કુલ રૂ.૧,૧૬,૫૬૦ ની કિંમતનો ૧,૨૪૦ લીટર ફ્યુઅલનો જથ્થો સીઝ કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.એકત્ર કરાયેલા ફ્યુઅલના નમૂનાઓની પ્રયોગશાળા ચકાસણી અને તપાસમાં સામે આવનારી હકીકતોના આધારે લાગુ પડતા કાયદા અને પુરવઠા નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.









