રાજકોટ જિલ્લાને અછતગ્રસ્ત કે દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેતપુર તાલુકાના પીઠડીયા ગામના ધરતીપુત્રોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડીને વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને કૃષિમંત્રીને હજારોની સંખ્યામાં પોસ્ટકાર્ડ લખી પોતાની વેદના વર્ણવી છે. ખેડૂતોએ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની સાથે સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવાની માંગણી કરી છે.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે ખેડૂતો એકત્રિત થઈને સરકાર સુધી પોતાની રાવ પહોંચાડવા પોસ્ટકાર્ડ અભિયાન ચલાવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, તો પછી રાજકોટ જિલ્લાને શા માટે અન્યાય કરવામાં આવ્યો?
ચોમાસુ સીઝનમાં મોંઘા ભાવના બિયારણો અને રાસાયણિક ખાતરો ખરીદીને વાવણી કરી હોવા છતાં, પૂરતા વરસાદના અભાવે ખેડૂતોનું પાક ઉત્પાદન નિષ્ફળ ગયું છે. ઊભો પાક સુકાઈને જમીનદોસ્ત થઈ જતાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે.
ખેડૂત આગેવાનોએ ભૂતકાળની યાદ અપાવતા જણાવ્યું કે વર્ષ ૨૦૨૦માં જ્યારે પાક વીમા યોજના બંધ કરવામાં આવી હતી, ત્યારે તત્કાલીન સરકારે ખેડૂતોને સહાય આપવાની મોટી જાહેરાતો કરી હતી, પરંતુ આ યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે અને ધરતીપુત્રોને કોઈ નક્કર રાહત મળી નથી. અન્ય રાજ્યોમાં જો ખેડૂતોના દેવા માફ થઈ શકતા હોય, તો ગુજરાતમાં પણ સંપૂર્ણ પાક ધિરાણ માફ થવું જોઈએ તેવી માંગણી ઊઠી છે.









