રાજકોટ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષના બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પહોંચેલા પરિવાર સામે રેલવે પોલીસના કથિત ઉદ્ધત વર્તનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ વિભાગ હવે કાર્યવાહીમાં આવ્યો છે. ફરજમાં બેદરકારીના આક્ષેપ હેઠળ ASI કામિની વ્યાસ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે
પરિવારજનોના જણાવ્યા અનુસાર, 12 વર્ષનો કિશોર ઘરેથી નીકળ્યા બાદ રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર CCTVમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તે અજાણ્યા વ્યક્તિ સાથે જતો દેખાવાના આક્ષેપ સાથે ગુમ થયાની વિગતો સામે આવી હતી.
આ મામલે બાળકના સગા ફરિયાદ નોંધાવવા રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસ કર્મચારી ગોદડું ઓઢીને સૂતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં ફરિયાદીને ‘24 કલાક રાહ જોવાનું’ કહેવાયું હોવાનો આક્ષેપ પણ છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓ વહેલી સવારે ફરિયાદ કરવા પહોંચ્યા હતા, પરંતુ તાત્કાલિક મદદ કે તપાસ શરૂ કરવાને બદલે પોલીસ તરફથી રાહ જોવાનું કહેવાયું હતું. તેમણે CCTV ફૂટેજ તપાસવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વીડિયો વાયરલ થતાં મામલો ગંભીર બન્યો અને ડિવિઝન પોલીસ કચેરી તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારીના આક્ષેપ હેઠળ ASI કામિની વ્યાસ સામે શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી શરૂ થયાની વિગતો સામે આવી છે.
હજી તપાસ ચાલુ હોવાથી વીડિયોમાં જોવા મળેલી ઘટનાની ચોક્કસ હકીકત અને જવાબદારી કોની છે તે સ્પષ્ટ થવાનું બાકી છે. પરંતુ આ ઘટનાએ રાજકોટ રેલવે પોલીસની ફરજ પાલન અને નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.









