જેતપુર: જેતપુરની સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબ પર હુમલો અને મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કરવાની ગંભીર ઘટના સામે આવી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા આધેડ વયના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થતા ઉશ્કેરાયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી તબીબ સાથે મારામારી કરી હતી. આ મામલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતના એક બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડ વયના દર્દીને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ દર્દીની હાલત અત્યંત નાજુક (સિરિયસ) જણાતા ફરજ પરના તબીબે તેમને વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવાની સલાહ આપી રિફર નોટ લખી આપી હતી.
તબીબની સલાહ બાદ દર્દીના સગા-વહાલા તેમને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ત્યાં પણ દર્દીની હાલત વધુ ગંભીર જણાતા તબીબોએ અન્ય હોસ્પિટલમાં રિફર કરવા જણાવ્યું હતું. આ દરમિયાન કમનસીબે આધેડ દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું.
દર્દીના મોતના સમાચાર મળતા જ મૃતકના સગા-સંબંધીઓ રોષે ભરાયા હતા અને ફરી જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હોસ્પિટલના ફરજ પરના તબીબ પર હુમલો કરી મારામારી કરી હતી. આટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ હોસ્પિટલના મહિલા કર્મચારીઓને પણ બેફામ ગાળો ભાંડી ભયનો માહોલ સર્જ્યો હતો.
આ ઘટના અંગે ભોગ બનનાર તબીબ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા હુમલો, મારામારી અને મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કર્યાના આક્ષેપ સાથે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ જેતપુર શહેર પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.









