ભારતીય સિનેમા માટે એક મોટો ક્ષણ આવી રહ્યો છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી અને નમિત મલ્હોત્રાએ નિર્માણ કરેલી ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ હવે ફક્ત ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રદર્શિત થવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ 100થી વધુ દેશોમાં લગભગ 50,000 સ્ક્રીન્સ પર રિલીઝ થશે.
ફિલ્મ 5 નવેમ્બર 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તે હિન્દી સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ પ્રદર્શિત થશે, જ્યારે IMAX જેવા પ્રીમિયમ ફોર્મેટમાં પણ દર્શકો તેને જોઈ શકશે.
આ મહાગાથામાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં દેખાશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતા તરીકે નજર આવશે. કેજીએફ સ્ટાર યશ રાવણનો શક્તિશાળી કિરદાર ભજવશે, સની દેઓલ હનુમાન બનશે અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં દેખાશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ફિલ્મનું વિતરણ Sony Pictures કરશે, જ્યારે ભારતના હિન્દી ભાષી બજારમાં તેનું વિતરણ Dharma Productions સંભાળશે. આ સાથે ‘રામાયણ’ ભારતની સાંસ્કૃતિક વિરાસત અને ભગવાન રામની ગાથાને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.
ફિલ્મનો બીજો ભાગ દિવાળી 2027 દરમિયાન રિલીઝ થવાની અપેક્ષા છે. હાલ રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશની ‘રામાયણ: પાર્ટ 1’ માટે દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.









