જેતપુર: જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર એક અત્યંત દુઃખદ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. રેલવે પાટા પરથી પસાર થઈ રહેલી બે સિંહણ પૂરપાટ ઝડપે આવતી ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે આવી જતાં બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે.
એકસાથે બે સિંહણનાં અકાળે મોત થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથક સહિત વન્યજીવ પ્રેમીઓમાં ઘેરા શોક અને અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે. બીજી તરફ, આ બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં.
ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વન વિભાગને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ જેતપુર ફોરેસ્ટ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે, જ્યારે ઘટનાની ગંભીરતાને જોતાં જૂનાગઢ ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ ગયા છે. હાલ વન વિભાગ અને રેલવે પોલીસ દ્વારા બંને સિંહણના મૃતદેહનો કબજો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









