જેતપુર: જેતપુરના દેરડી રોડ પર આવેલા ભાદર નદીના પુલ પરથી પસાર થતા હજારો વાહનચાલકો અને રાહદારીઓના જીવ અત્યારે તાળવે ચોંટ્યા છે. પુલની બરોબર વચ્ચે એક મોટી અને જોખમી તિરાડ પડી ગઈ હોવાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પુલની દયનીય હાલત દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પુલના કોંક્રિટ રોડ પર એક છેડેથી લઈને બીજા છેડા સુધી લાંબી આડી તિરાડ પડી ગઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ તિરાડ બે મહિના પહેલાં પડી હતી, પરંતુ તંત્રની બેદરકારીના કારણે હવે તે દિવસેને દિવસે વધુ પહોળી થઈ રહી છે અને આસપાસનો કોંક્રિટ પણ તૂટવા લાગ્યો છે.
આ પુલ પરથી દરરોજ સેંકડો શાળાના બાળકો, ખેડૂતો, વેપારીઓ અને ભારે વાહનોની સતત અવરજવર રહે છે. સ્થાનિકોમાં એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે જો વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો ભવિષ્યમાં ગંભીરા જેવી કોઈ મોટી અને ગોઝારી દુર્ઘટના સર્જાઈ શકે છે.









