જેતપુર:
જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે રહેતા ૨૫ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી વિગતો અનુસાર, મૃતક કરણ કાંતિભાઈ રાઠોડ (ઉં.વ. ૨૫) બોરડી સમઢીયાળા PHC હેઠળ આવતા ડેડરવા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) તરીકે પોતાની સેવા આપી રહ્યા હતા. તેમણે પોતાના નિવાસસ્થાને અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી લેતાં પરિજનો દ્વારા તેમને તાત્કાલિક જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
યુવકના મોતના સમાચાર વાયુવેગે ફેલાતાં જ પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. આ બનાવથી પરિવાર તેમજ સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી પંચનામું કરી યુવકના આપઘાત પાછળના કારણ અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









