ગાંધીનગર:
ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ બુધવારે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને રાજ્યોના વડાઓ વચ્ચે વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી અને સૈનીએ ભૂપેન્દ્ર પટેલને આગામી એપ્રિલ-2027માં હરિયાણામાં યોજાનારી ગ્લોબલ બિઝનેસ સમિટ માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.
હરિયાણા સરકાર દ્વારા યોજાનારા ‘હેપનિંગ હરિયાણા 2.0: ઇન્વેસ્ટ ઇન હરિયાણા, ઇન્વેસ્ટ ઇન ધ ફ્યુચર’ સમિટના પ્રચાર અર્થે મુખ્યમંત્રી સૈની પોતાના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગુજરાત આવ્યા છે. તેઓ સુરત અને અમદાવાદ-ગાંધીનગરના અગ્રણી બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠકો યોજી હરિયાણામાં રોકાણ માટે ચર્ચા-વિચારણા કરવાના છે.
બુધવારે બપોરે સુરતમાં ઉદ્યોગપતિઓ સાથેની બેઠક આટોપીને નાયબસિંહ સૈની ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાતમાં બે રાજ્યો વચ્ચેના વ્યાપારી સંબંધો વધુ મજબૂત કરવા અંગે પણ વાતચીત થઈ હતી.આ ખાસ બેઠકમાં હરિયાણાના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી રાવ નરબિરસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.









