ગાંધીનગર ખાતે રાજ્યભરમાંથી આવેલા વન વિભાગના કર્મચારીઓએ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના બેનર હેઠળ મોટી સંખ્યામાં યુનિફોર્મધારી વન રક્ષકો અને મહિલા કર્મચારીઓ એકત્ર થઈને ન્યાયી હકો માટે અવાજ ઉઠાવ્યો હતો.
સરકાર સમક્ષ રજૂ કરાયેલી મુખ્ય પડતર માંગણીઓ:
જોખમી ફરજો સામે કર્મચારીઓને જોખમ ભથ્થું અથવા જાહેર સુરક્ષા ભથ્થું આપવામાં આવે.
રજાના પગારની ગણતરી બેઝિક, DA અને CLA મુજબ ગણી ૪૮ દિવસની મર્યાદા દૂર કરી પૂરા દિવસોનો પગાર ચૂકવાય.
કડકસર નીતિ હેઠળ બંધ કરાયેલી ફોરેસ્ટર અને R.F.O. ની જગ્યાઓ પુનઃ શરૂ કરી મહેકમ વધારવામાં આવે.
ફોરેસ્ટર અને R.F.O. ની સીધી ભરતી બંધ કરી સેવા આપતા અનુભવી સ્ટાફને પ્રમોશનમાં અગ્રતા અપાય.
ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરોના ગ્રેડ-પેની વિસંગતતાઓ તાત્કાલિક ધોરણે દૂર થાય.
કર્મચારીઓની લાંબા સમયથી અટવાયેલી બદલીઓના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવામાં આવે.
કર્મચારી આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જંગલ અને વન્યજીવોના રક્ષણ માટે દિવસ-રાત ફરજ બજાવતા વન રક્ષકો સાથે થતો અન્યાય દૂર કરવામાં આવે અને સરકાર તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારે. જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.









