બાવળા: દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બાવળા પોલીસ એક્શન મોડમાં આવી છે. તહેવારો દરમિયાન બજારોમાં વધતી ભીડ અને નાણાકીય લેવડદેવડને ધ્યાનમાં રાખીને ચોરી, લૂંટ સહિતની અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા બાવળા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એલ.જી. દેસાઈની અધ્યક્ષતામાં સ્થાનિક જ્વેલર્સ વેપારીઓ અને બેંક મેનેજરો સાથે મહત્વપૂર્ણ સુરક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન પી.આઈ. એલ.જી. દેસાઈએ વેપારીઓ અને બેંક અધિકારીઓને સુરક્ષાને લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ દુકાનો, જ્વેલર્સ શોરૂમ અને બેંકોમાં સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા તેમજ યોગ્ય એંગલથી દેખરેખ રહે તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી. સાથે જ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.
બીજી તરફ, વેપારીઓએ દિવાળીના તહેવારો દરમિયાન મુખ્ય બજારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની રજૂઆત કરી હતી. વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને પોલીસે બજારો અને બેંક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી. તહેવારોના સમયગાળા દરમિયાન પોલીસવાન અને ૧૧૨ ઇમરજન્સી સેવા દ્વારા સતત પેટ્રોલિંગ રાખી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખવામાં આવશે.
બેઠકના અંતે વેપારીઓ અને બેંક પ્રતિનિધિઓ દ્વારા પી.આઈ. એલ.જી. દેસાઈનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી.









