જેતપુર-બગસરા માર્ગ બંધ: નદી પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા.
રાજકોટ જિલ્લાના જેતપુર અને તેના ગ્રામ્ય પંથકમાં લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથી જ દેવકી ગાલોળ અને વાવડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આ આકાશી આફતને કારણે જેતપુરથી બગસરા તરફ જતો મુખ્ય વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.
ગાલોરિયા નદી પર છેલ્લા બે વર્ષથી બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે તંત્ર દ્વારા બાજુમાં એક કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આજે નદીમાં પૂર આવતા જ આ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેતપુરથી બગસરા તરફ જવાનો આ એકમાત્ર મુખ્ય રસ્તો હોવાથી હાલ બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને કલાકોથી વાહનચાલકો પાણી ઓસરવાની રાહ જોઈને બેઠા છે.









