“ધોરાજીના પોસ્ટ ઓફિસ પાસે મોટરસાયકલ અડી જવા જેવી સામાન્ય બાબતે મામલો એટલો બિચક્યો કે બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી. આ ઘટનામાં ૫ થી ૬ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે વ્યક્તિઓની તબિયત લથડતાં વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ધોરાજી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઘટનાસ્થળના સીસીટીવી કેમેરા ફંફોળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હિન્દુ અને મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે થયેલી આ મારામારીને લઈને ધોરાજી પોલીસે કાર્યવાહી કરી :
“ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોક પાસે સવારે સામાન્ય બાબત એટલે કે બે વાહનોની ટક્કર બાબતે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા મારામારીનો બનાવ બન્યો હતો. આ ઝઘડામાં બંને પક્ષોના ૫ થી ૬ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેથી તેમને ત્વરિત સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ મામલે બંને પક્ષો તરફથી સામસામે ધોરાજી શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ મારામારી, રાઇટિંગ (હુલ્લડ) અને જાનથી મારી નાખવાની ધમકી જેવા ગંભીર ગુનાઓ નોંધ્યા છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ શરૂ કરી છે અને આ કેસમાં જે પણ જવાબદાર હશે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.”









